Thursday 23 June 2011


The great majority of us are required to live a life of constant duplicity.  Your health is bound to be affected if, day after day, you say the opposite of what you feel, if you grovel before what you dislike, and rejoice at what brings you nothing but misfortune.

Sunday 19 June 2011

You only live once, but if you work it right, once is enough.

કદાચ

ફૂલોએ આપઘાત કર્યો હોય પણ કદાચ,
આ શૂન્યતામાં શબ્દ સર્યો હોય પણ કદાચ.
અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.
લાગે છે છિન્નભિન્ન થયો એટલે નહીં,
ધસમસતાં પૂર સામે તર્યો હોય પણ કદાચ.
કારણ વગર ભીતરથી ખળભળું છું આજકાલ,
કોઈએ અરીસો સામે ધર્યો હોય પણ કદાચ.
પરબીડિયું જે અંધકારમાં ડૂબી ગયું,
તડકો ગજબનો એમાં ભર્યો હોય પણ કદાચ.
‘સાહિલ’ નદીના કાંઠે વીત્યું જેનું આયખું,
એ શખ્સ રણના હાથે ઠર્યો હોય પણ કદાચ.
- ‘સાહિલ’
When i helped People, They thought i was "buttering" them,
And now i when stopped helping, They call it "Attitude".



Friday 17 June 2011

મને ફાગણનું એક ફૂલ આપો…

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો કાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ  
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલ સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
-  ‘સુન્દરમ્’

ભવ્ય સતાર !

અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
કુંજ કુંજ ગોચર ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ.
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
અમે પૂછતાં કોણ વરસતું, નહીં વાદળ, નહીં વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આશાનું મંજુલ મંજુલ ગાન.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
- ‘સુન્દરમ્’

ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી

ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી,
વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી .
જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ,
અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી.
એની નિયતી મુજબ એ ખુદ ખરી જશે
હાથે કરી મારે એકે ફૂલ તોડવું નથી.
સપનામાં બીજ હોય છે હકીકતનું ઘણીવાર,
એકેય નાજુક સ્વપ્ન હવે રોળવું નથી.
મન છે દર્પણ સમ , ઠેસ લાગતાં જ તુટે,
સંજોગોના પથ્થરથી એ દર્પણ ફોડવું નથી.
પડઘાય છે શહેરમાં કઇં કેટલા અવાજો,
કર મૌનથી સંવાદ નિમિશા ! કઇં બોલવું નથી.
-નિમિશા મિસ્ત્રી

ગુર્જરી ગિરા

જે જન્મતાં આશિષ હેમચન્દ્રની
પામી, વિરાગી જિનસાધુઓએ
જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ-મીરાં-
અખા તણે નાદ ચડી ઉમંગે
આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની
દ્રઢાય ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાન્તે, દલપત પુત્રે
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા 
ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

 – ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)

પરિપ્રશ્ન

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?
ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?
ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?
ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?
હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?
-  રાજેન્દ્ર શુક્લ

શબદ

કોઇ શબદ આવે આ રમતો રે,
કોઈ શબદ આવે મનગમતો,
           મહામૌનના શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે-
            કોઇ શબદ આવે આ રમતો
એક શબદ હૈયે ઝીલું ને
હોઠ કરી દઉં બંધ,
            માથું ઢાળી રહું અઢેલી
આ આકાશી કંધ :
શબદ ઊગે હું શમતો રે –
            કોઈ શબદ આવે આ રમતો.
ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
પાંખી પાંખી રાત,
            પગલે પગલે પડી રહી આ
બીબે બીજી ભાત
ભાંગ્યા ભેદભરમ તો રે,
             કોઈ શબદ આવે આ રમતો.
પિંડ મહીં આકાર ધરે
પળ પળ ગુંજરતો પિંડ,
              માંસલ સાજ પરે આ કોની
અમી ટપકતી મીંડ !
શો સરસ સરસ રસ ઝમતો રે,
              કોઈ શબદ આવે આ રમતો.
- મકરન્દ દવે

હવામાં આજ

હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી – હવામાં   
ઝાકળબિંદુ પાને પાને
તૃણે તૃણે ઝબકે જાણે
રાતે રંગીતે નિહારિકા ધરતીખોળે વરસી ચાલી – હવામાં
રમતા રમતાં વાદળ ગિરિશિખરે
મધુર નાની સરિત સરે
દૂર  દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી – હવામાં
રવિ તો રેલે ન્યારા
સોનેરી સૂરની ધારા,
વિશાળે ગગનગોફે જાય ગૂંથાતી કિરણજાળી – હવામાં
મન તો જાણે જુઈની લતા
ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી – હવામાં
– નાથાલાલ દવે

વાવાઝોડા પછીની સવારે

નર્સનાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં
ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે,
તૂટેલા મિજાગરા પર પવન લટકે છે.
જીર્ણ વસ્ત્રની જેમ તડકો ફસકી પડ્યો છે.
પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો
             શિથિલ થઈને પડ્યાં છે.
ક્યાંકથી જળ ટપકવાનો અવાજ સંભળાય છે.
બખોલમાં બે ઝીણી ઝીણી આંખો તગતગે છે.
તૂટેલી ડાળ પર કળીઓ ખીલું ખીલું થઈ રહી છે.
દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે.
ડહોળયેલી નદીને કાંઠે એક વૃદ્ધ ઊભો છે.
એની આંખોમાં લાચારી નથી, આશા નથી,
કેવળ એક પ્રશ્ન છે :
આજે જો ઇશ્વર સામો મળે તો પૂછવા માટે –
‘સયુજા સખા’નો અર્થ.
-  જયા મહેતા

અમે અંધારું શણગાર્યું

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું. હો આજ…
ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને
ધરતીએ મેલીને દીવા,
ફૂલોએ ફોરમને આલી આલીને એનું
અંગેઅંગ મહેકાવ્યું !
હો આજ….
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા
ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ
અંધારાનેયે નચાવ્યું !
હો આજ…
વીતી છે બર્ષા ને ધરતી છે તૃપ્ત આજ,
આસમાન ખીલી ઊઠ્યું :
ઊડે આનંદરંગ ચોમેર અમારો એમાં
અંધારું આજે રંગાયું !
હો આજ….
થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને
ચાંદાના યે વ્રત થાતાં,
આનંદઘેલા હૈયે અમારા આજ
અંધારાને યે અપનાવ્યું !
હો આજ...
  – પ્રહલાદ પારેખ

ચાલ્યા અમે

છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે
એમ લાગ્યું ફક્ત બસ મૃગજળ સુધી ચાલ્યા અમે
છાતી ચીરીને બતાવી ના શક્યા ,તેથી જ તો
કાળજેથી નીકળી કાગળ સુધી ચાલ્યા અમે
સીંદરીની જાત છઈએ ,જાત પર જઈએ જ ને
રાખ થઇ ગ્યા ,તોય છેલ્લા વળ સુધી ચાલ્યા અમે
સાધના,સાધન અને શું સાધ્ય છે :સ્વાહા બધું
ધૂપદાની લઇ અને ગૂગળ સુધી ચાલ્યા અમે
બળ કહો કે કળ કહો કે છળ કહો,કંઈ પણ કહો
અંતમાં કહેવું પડે:અંજળ સુધી ચાલ્યા અમે
-સુરેશ વિરાણી

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
- ‘ઘાયલ’

એક સમય ઘૂંટાય છે

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય.

મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા
(“લયસ્તરો” ના સૉજન્યથી)

ઝાકળની પિછોડી

જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો
શ્વાસને સેજારે જાશે ઊડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
-બાલમુકુન્દ દવે

જિંદગી કેટલી નિરસ હતી

ઝંખના પ્યાસી મનમાં,વરસોના વરસ હતી,
તુજ વિના સજના !જિંદગી કેટલી નિરસ હતી !
અમે હતાં પથ્થર સમ,સ્પર્શે તારા હેમ થયા,
તેં વહાવી અમ સુધી,એ ઊર્મિઓ પારસ હતી.
તારું દુ:ખ હળવું કરી શકું, મારું ક્યાં ગજું હતું?
મને તો તારા હોઠ પર ના સ્મિતની તરસ હતી.
રીસામણાં ને મનામણાં, થયા’તા આપણી વચ્ચે,
જાણી વાત જે જગતે,એ તો અરસ-પરસ હતી !
તુજ આવવાથી વહેતી થઇ ‘નિશા’ની ઊર્મિઓ,
એ ઊર્મિઓ મુજ હૈયામાં તુજ ની જણસ હતી.
-નિમિશા મિસ્ત્રી

એક મોજું એ રીતે અથડાય છે

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા

બે ઘડીની જિંદગી

બે ઘડીની જિંદગી,ચાલ જીવી લઇયે,
કોણે દિઠી કાલ ? આજ જીવી લઇયે.

દિવસે તુ તારામાં,હું મારામાં વ્યસ્ત,
છોડ દિવસની વાત,રાત જીવી લઇયે.

ચહેરા પર મહોરા,હાસ્ય ને મુસ્કાન ના,
ઉતારી એ મુખવટા,આજ જીવી લઇયે.

જીવન છે મૂડી,ને સપનાઓ છે વ્યાજ,
મૂડી નહીં તો આવ વ્યાજ જીવી લઇયે.

તુ બને રાગ ,ને હું બનું તારી રાગિની,
સપ્તસુરોનો  બની સાજ જીવી લઇયે.

નિમિશા તારી છાયા,ને તુ એનો શ્વાસ,
ક્ષણ માટે એકબીજા માંજ જીવી લઇયે. 

-નિમિશા મિસ્ત્રી.

હું પણ બોલું તું પણ બોલ

સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ.
ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.
પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.
સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.
મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.
શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા, હું પણ પોલું તું પણ પોલ.

Friday 10 June 2011

ચિંતન

મન માં એની યાદ નું ચિંતન તો થશે,
આ બહાને એને મળવાનું મન તો થશે,
વિચાર થયો ચલ ને ફરી આવું એની ગલી માં
મુલાકાત નહિ તો એના દર્શન તો થશે.

Monday 6 June 2011

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
જમ ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત

ફાગણનું એક ફૂલ

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્

Sunday 5 June 2011

વિચારો નું વાવેતર

આવો ને કરીએ વિચારો નું વાવેતર
તારા મારાના શેઢા ને ઉખાડી
અખંડ ભુમિમા કરીએ પ્રેમબીજ નું વાવેતર
અંગુઠા ને દાંતથી કિટા સૌને કરીયા
ટચલી આંગળીઓથી આંટીમારી
આવો ને કરીએ ભાઇબંધી નું વાવેતર
જુઠડા ચહેરા ઓઢી સાયામાયા બહુ રે મળીયા
મારા-તારા માં રમતો એકજ નટવર જાણી
આવો ને કરીએ નિખાલસતા નું વાવેતર
સમયજળ વહી જાય વ્યર્થ વાતોમાં
હાલો ભેરુ ભેગા થઇ પાણી વાળવા જઇએ
આવો ને કરીએ શ્રમબીજ નું વાવેતર
ઉભા પાક ચરવા આવે તૃષ્ણાની ગાયો
કાવાનો કોટો ચડાવી રાતભર વાહુ કરીએ
આવો ને કરીએ જાગરણબીજ નું વાવેતર
ત્રણ પાણાનો ચુલો બનાવી
ધુધરી બાફી તૃપ્તી ની સોડમ લઇએ
આવો ને કરીએ સંતોષબીજ નું વાવેતર
- ધર્મેશ હિરપરા

મળી ગયું

મળ્યું એક બિંદુ પાન પર,
ને મોતી સમજી ગળી ગઇ.
સ્પશ્યું જ્યાં હૃદયમાં ને,
ગાઢ સ્મરણમાં સરી ગઇ.
મળ્યો સાથ સજ્જનોનો અને,
વગર નાવે તરી ગઇ.
આશા એક સુંદર જીવનની ને,
સારો સાથી મળી ગયો.
દુનિયા તો છે સુંદર ને,
સુંદરતા પામનાર મળી ગયો.
કોણ ગયું કોઇની સાથે, ને જશે કોણ,
પણ સાથે જનારું મળી ગયું.
આપ્તજનો કે પરાયા સ્વાર્થના,
પણ દિલને દિલાસો દેનાર મળી ગયું…
મળ્યું એક બિંદુ પાન પર…
-તૃપ્તિબા ગોહિલ

નથી હોતી…

ધન, વૈભવ, દોલતમાં, અમીરી નથી હોતી,
દિલના કોઇ ખૂણામાં, ગરીબી નથી હોતી.
લોક સમજે છે, જાગીર પોતાની વર્ષોથી,
વખત ટાણે વસિયત સાબિત નથી હોતી.
મારું મારું કરે જે, એકલો રહી વંચિત,
બંધ મુઢ્ઢીમાં કોઇ દિ’ સ્વસ્થતા નથી હોતી.
પીડ પરાઇ સમજમાં, વિહરતું રહે આ દિલ,
પ્રેમની વલખતી ભીખમાં, ફકીરી નથી હોતી.
શરાબ, મટન સબડે, જ્યાં મહેફિલો ભરી,
મદહોશ જિંદગી કોઇની, અસલ નથી હોતી.
-પ્રવીણ ખાંટ

ફક્ત તારા માટે…

નજરથી નજર મળીને, થઇ ગઇ એક નજર.
અંકુર ફૂટ્યા પ્રેમના, ને થયો અહેસાસ દિલમાં.
ક્ષણમાં લખાયું તારું નામ,ધબકાર ને શ્વાસમાં.
એકરાર થયો ને,ડૂબી નાવ તારા પ્રેમસફરમાં.
હવે ‘હું’ હું નથી, ને ‘તું’ તું નથી,
બન્યા એક જીવ બે શરીરમાં.
તારાથી ‘હું’ ને મારાથી ‘તું’,
એ જ છે, આપણા નસીબમાં.
પ્રેમના દરિયામાં એવા તો ડૂબ્યા,
કે બન્યા સાથી જિંદગીના સફરમાં.
વીત્યાં ત્રણ વર્ષ તારા સાથમાં,
મળ્યાં એ ખાસ પળ તારા સહવાસમાં.
સાથ નિભાવીશ જિંદગીના સાથમાં,
રાખજે વિશ્વાસ મારા વિશ્વાસમાં.
જિંદગી લૂંટાવી છે તારા નામમાં,
‘જીવ’ પણ આપીશ, તારા પ્રેમમાં.
છે ખુશહાલ જિંદગી, તારા સંગાથમાં,
ઇશ્વર કરે, મળે તારો સાથ હર જનમમાં.
-કલેમેન્ટ પરમાર

નયનકક્ષમાં

વિચારો ન શોધો ન બોલો કશું
સતત મૌન રાખો શયનકક્ષમાં
હૃદયના અધૂરા બધા ભાવની,
થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં.
ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો,
થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો;
મળાશે સહજ ભીતરી ભેજને,
સજળ કોઈના બે નયનકક્ષમાં !
ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
રહી તો રહી એક પરતંત્રતા;
ન પામી શકું છું ન ત્યાગી શકું,
ઊભો છું નિરંતર ચયનકક્ષમાં.
દિશાઓ બની છે દીવાલો અહીં,
નથી પાંખમાં આસમાનો હવે;
દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.
– સ્નેહલ જોષી

અકબંધ છે

પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે.
પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે,
પણ શું ઉગ્રતા એની એ જ છે?
ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે,
પણ શું શીતળતા એની એ જ છે?
હરિયાળી ધરાની હજીય અકબંધ છે,
પણ શું સૌમ્યતા એની એ જ છે?
રૂદન શિશુનું હજીય અકબંધ છે,
પણ શું નિર્દોષતા એની એ જ છે?
જોઉં છું ખુશહાલી, ક્યાંક હજીય અકબંધ છે,
પણ ક્યાંક તો દરિદ્રતા એની એ જ છે.
ઓળખ માનવ તરીકે હજીય અકબંધ છે,
પણ શું માનવતા મારી એની એ જ છે?
આવતા અનેક વિચારો હજીય અકબંધ છે,
પણ પ્રશ્નો તો વણઉકલ્યા એના એ જ છે.
-જેમિશ બુટવાલા

મિલનની તડપ

દરરોજ અડધા કલાકની,
વાતમાં દોસ્તી વધી ગઇ,
દોસ્ત તારી યાદમાં હવે તો,
લાગે કે રાત પણ વધી ગઇ.
હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી,
આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ.
જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે,
ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ.
ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી,
તારા મિલનની તડપ વધી ગઇ.
બદલાઇ છે દોસ્તી પ્રેમમાં?
કે પછી દોસ્તીની વ્યાખ્યા વધી ગઇ.
લાગે છે ‘કાનુડા’ હવે તો,
તારી અહેમિયત ખુદાથી પણ વધી ગઇ.
-જહાનવી પટેલ

અલકમલક

કહેવાનું તો ઘણું હતું,
પણ કહી ના શક્યા કંઇ જ.
મનના અરમાન મનમાં જ રહ્યાં,
કરી ન શક્યાં કંઇ જ.
જોયું, જાણ્યું ને પીછાણ્યું,
એ વાતને હવે જવા દો,
કોઇ અલકમલકની વાતો.
આપણામાં મહેકવા દો,
દુનિયાની વાતો દુનિયામાં રહે
એ જ વધુ સારું છે,
આપણી વચ્ચે સારું છે,
આપણી વચ્ચે પ્રીત રહે,
એથી વિશેષ શું મારું છે?
રાત-દિવસ તમારી રહી,
સાંજ અમારી રહેવા દો,
બસ! રજા લઉં છું અહીં,
યાદ અમારી રહેવા દો,
-વિભા લેલે

દીકરો મારો!!!

દીકરો છે મારો ફેશનેબલ ,
પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,
માંગે તે તો મોબાઈલ ને બાઈક,
પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,
ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,
પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ,
કરે છે અનેક કોલ ને મિસકોલ,
પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,
પીવે છે સિગારેટ ને ચાવે છે મસાલા,
પછી ભલે ને નીકળી જાય ઘરના દેવાળા,
વાપરે એ તો પાણી ની જેમ નાણાં,
પછી ભલે ને આવી જાય રિજલ્ટ માં બે શૂન્ય ના પણા,
મિત્રો આગળ મારે એ મોટી મોટી વાતો ના તડકા,
પછી ભલે ને થઇ જાય એની ઝીંદગી માં મોટા મોટા ભડાકા,
આમ તો છે આ દીકરો મારો,
તો શું અભિપ્રાય છે એના વિષે તમારો ?????
- Trushti Raval

આ ક્યાં ધંધે વળગ્યો?

સીધો સરળ રસાયણ ઇજનેર
આ ક્યાં ધંધે વળગ્યો?
શબ્દોની સાંકળ રચવામાં,સમયનાં મુલ્યને વિસર્યો
આ ક્યાં ધંધે વળગ્યો?
તુક્કબંધીનાં તાર બેસાડવામાં,ધ્યાન-ધર્મ ને ભુલ્યો
આ ક્યાં ધંધે વળગ્યો?
નિશ્બ્દની સીડીથી ઉતરી,શબ્દાગ્નિમાં સળગ્યો
આ ક્યાં ધંધે વળગ્યો?
અજોડની ઉપેક્ષા કરી,જોડકણા જોડવામાં લપટાયો
આ ક્યાં ધંધે વળગ્યો?
મનના તરંગો ક્ષણભંગુર વાલા,થોડો હોંશમા રે ‘લાલા’
આ ક્યાં ધંધે વળગ્યો?
કલ્પનાનો વેગ વધારતો, પાછો પોતાને કવિ કહેરાવતો
ધમા, આ ક્યાં ધંધે વળગ્યો?
- ધર્મેશ હિરપરા

ઘણું મંથન કરવું છે

ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી,
વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી .
જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ,
અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી.
એની નિયતી મુજબ એ ખુદ ખરી જશે
હાથે કરી મારે એકે ફૂલ તોડવું નથી.
સપનામાં બીજ હોય છે હકીકતનું ઘણીવાર,
એકેય નાજુક સ્વપ્ન હવે રોળવું નથી.
મન છે દર્પણ સમ , ઠેસ લાગતાં જ તુટે,
સંજોગોના પથ્થરથી એ દર્પણ ફોડવું નથી.
પડઘાય છે શહેરમાં કઇં કેટલા અવાજો,
કર મૌનથી સંવાદ નિમિશા ! કઇં બોલવું નથી.
-નિમિશા મિસ્ત્રી