24 October 2011

સ્પર્શાય નહીં !


તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !
તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !
કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !
આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !
વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !
પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !
- ભરત વિંઝુડા

03 September 2011

નજરથી નજર મળીને, થઇ ગઇ એક નજર.
અંકુર ફૂટ્યા પ્રેમના, ને થયો અહેસાસ દિલમાં.
ક્ષણમાં લખાયું તારું નામ,ધબકાર ને શ્વાસમાં.
એકરાર થયો ને,ડૂબી નાવ તારા પ્રેમસફરમાં.
હવે ‘હું’ હું નથી, ને ‘તું’ તું નથી,
બન્યા એક જીવ બે શરીરમાં.
તારાથી ‘હું’ ને મારાથી ‘તું’,
એ જ છે, આપણા નસીબમાં.
પ્રેમના દરિયામાં એવા તો ડૂબ્યા,
કે બન્યા સાથી જિંદગીના સફરમાં.
વીત્યાં ત્રણ વર્ષ તારા સાથમાં,
મળ્યાં એ ખાસ પળ તારા સહવાસમાં.
સાથ નિભાવીશ જિંદગીના સાથમાં,
રાખજે વિશ્વાસ મારા વિશ્વાસમાં.
જિંદગી લૂંટાવી છે તારા નામમાં,
‘જીવ’ પણ આપીશ, તારા પ્રેમમાં.
છે ખુશહાલ જિંદગી, તારા સંગાથમાં,
ઇશ્વર કરે, મળે તારો સાથ હર જનમમાં.
-કલેમેન્ટ પરમાર