Sunday 10 April 2016

સાજન, થોડો મીઠો લાગે – હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક ક્યાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો ક્યાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

– હરીન્દ્ર દવે

હું કવિનો શબ્દ તો ના થઈ શક્યો – મિલિન્દ ગઢવી

હું કવિનો શબ્દ તો ના થઈ શક્યો
હા, મગર બારાખડીમાં હું હતો !
ઝૂલણાની રાહમાં ઊંંઘી જતો
રાતની એ ખટઘડીમાં હું હતો !

હું જ સાવરણી લઈ વાળું મને
જીર્ણ પેલી સૂપડીમાં હું હતો !
ઘર ! તને તો યાદ છે ને એ બધું ?
કોઈ નહોતું એ ઘડીમાં હું હતો !

મેજ, ખુરશી, લેમ્પ, ચશ્માં, ડાયરી
છે અહીં એવું ઘણું છે, હું નથી !
આ દિવાલો ક્યારની પી ગઈ મને
ખંડ છે, ખાલીપણું છે, હું નથી !

હું સમયના ઉંબરાની સ્તબ્ધતા
બોલકું આ બારણું છે, હું નથી !

– મિલિન્દ ગઢવી

ઝળહળે છે જે સતત, એ કોણ છે ? – મુકુલ નાણાવટી

એ ન ચાલે, ચાલવા યે દે નહીં
એકપણ પગલું ગલત, એ કોણ છે ?

ખર ખબર કે છે ન ખત, એ કોણ છે ?
તોય છું જેનામાં રત, એ કોણ છે ?

ઝળહળે છે જે સતત, એ કોણ છે ?
ને નથી જે હસ્તગત, એ કોણ છે

હાથમાંથી દોર સરકે એ સમે
હાથ ઝાલી લે તરત, એ કોણ છે ?

આમ તો છે આવવા આતુર પણ
આકરી મેલે શરત, એ કોણ છે ?

– મુકુલ નાણાવટી

માધવના દેશમાં ન જાજો રાધાજી – ધૂની માંડલિયા

માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

વાંસળીની ફૂંક જરા અડકી ના અડકી
ત્યાં તૂટવાના સપનાનાં ફોરાં.
રાતે તો લીલુડા પાન તમે લથબથ,
સવારે સાવ જાને કોરાં.

કાંઠે તો વિદેહી વાર્તાની જેવો, એને શું પાણી-પરપોટો
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

મોર જેવો મોર મૂકી પીંછામાં મોહ્યો
એવી તો એની પરખ છે.
શ્યામ રંગ ઢાંકવા પાછો પૂછે છે
પીતાંબર કેવું સરસ છે.

મથુરાનો મારગ કે ગોકુળિયું ગામ હો મલક ભલે ને હો મોટો
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.

– ધૂની માંડલિયા

સોળ સજી શણગાર – હરીન્દ્ર દવે

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી…

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,

આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી…

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,

જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી…

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,

જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ?
અમોને નજરું લાગી…

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાક્યાં સઘળાં લોક,

ચિત્ત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી …

‘લ્યો, નજરું વાળી લઉં પાછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,

હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર,
અમોને નજરું લાગી…

– હરીન્દ્ર દવે

ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ – નિરંજન રાજ્યગુરુ

ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

તું થઈ જાજે પંખી ને હું સરસ મજાનો દાણો
ચાદર થાશું કબીરાની, તું તાણો ને હું વાણો
અરસ પરસ અદ્વૈત રચીને એક બીજાને ગમીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

કાં થાઉ રેશમનો ગોટો, તું થાજે ચિનગારી
અજવાળાં ઝોકાર મિલનની અદભુત અપરંપારી
હું હું તું તું આજ મટાડી, અંદરથી ઓગળીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

શબદ અરથ, નભ વીજળી, મુરલી ફુંક તણા સૌ ખેલ
મધમાખી થા મધુરસ લેવા, સાચો ઈ જ ઉકેલ
પવન આગ, શું પવન ગતિ, શું પવન ગંધ સંબંધીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

વાંસ તણો કટકો તુજ હોઠે, શ્વાસ કૂંક ઝટ ભારી
નાદ સૂરીલો સાંભળશે આ જગના સૌ નરનારી
બે ધાતુ પ્રજળાવે, જોડે, એવી ધમણ્યું ધમીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…

જાણે કળાયલ નાચે છે મોર ! – નિરંજન રાજ્યગુરુ

પંખીની નાતમાં આવ્યો તહેવાર
જામી હરિફાઈ નર્તન ને ગાનની,
કોણ વધુ રૂપાળું, કોણ ગાય મીઠું
ને કોને સમજાય વાત સાનની ?
સાંભળીને કાગભાઈ થૈ ગ્યા તૈયાર
એણે કમ્મર કસી ચારે કોર….. જાણે કળાયેલ નાચે છે મોર…

છાણ ઘસી ઉજળી કીધી છે કાય
માથે ચૂનાને પાણીએ નાયો,
ખોંખારી ખોંખારી કંઠ કીધો છે સાબદો
જાણે કોકીલનો જાયો,
મોરલાના પીંછડા વીણી વીણીને ગૂંથ્યો
ગજરો ને ખેંચ્યા છે દોર… આજ કળાયેલ નાચે છે મોર…

ચકલાંના પીંછાની કલગી ચોટાડી
ને બગલાના પગ લીધા માગી,
કાગડીને ક્યે કે તું મલપંતી હાલ્ય
તારો લાડો બન્યો છે વરણાગી,
કાબર, લેલાં ને તેતરડા છે ભેળા
સૂર પૂરાવે ગીતડાં કલશોર… આજ કળાયેલ નાચે છે મોર…

જોવા આવેલ નૃત્યઘેલા સૌ મરમી
નિર્ણય લ્યે લાગે ના વાર,
આવું ને આટલું સુંદર નથી રે કોઈ
આયોજન કાચું નૈં લગાર,
સંમત થ્યું બોર્ડ, આની જડશે નૈં જોડ
આને દઈ દ્યો એવોર્ડ,
આમ લાગી પસંદગીની મ્હોર… આજ કળાયેલ નાચે છે મોર…

સાચુકલો મોરલો બેઠો ઉદાસ
ઈ તો થઈ ગ્યો નપાસ
ને પપ્પુ થ્યો પાસ
ઢેલ રિસાણી, ક્યે કે કાગ ચોર,
પણ કળાયલ કાગ થિયો મોર…
ઈ તો નાચ્યો થઈ કળાયેલ મોર… આજ કળાયેલ નાચે છે મોર…