Monday 5 May 2014

ના પૂછ તું

આ ચરણથી રેતના સગપણ વિષે ના પૂછ તું,
શ્વાસમાં તરતા અફાટી રણ વિષે ના પૂછ તું.
રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને,
એ અભાવોના નીકળતા, ધણ વિષે ના પૂછ તું.
સાવ સીધા માર્ગ પર, ડગલુંય મંડાતું નથી,
ભીતરી અવઢવ અને અડચણ વિષે ના પૂછ તું.
જળ અને જળની છટાઓ લે, ગણાવું હું તને ,
પ્યાસની મારી સફળ સમજણ વિષે ના પૂછ તું.
મેં મને ધાર્યો હતો એવો ન નીકળ્યો ક્યાંય પણ,
જાત આખી જોઈ એ દર્પણ, વિષે ના પૂછ તું.
જે મળે એને હયાતીનો પૂછે છે અર્થ એ,
દોસ્ત ‘વંચિત’માં ઉછરતા જણ વિષે ના પૂછ તું.
- વંચિત કુકમાવાલા

ગેરસમજણ

ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !
એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !
કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ  તું સંબધ વચ્ચે લાવ ના !
મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !
કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !
                        –  શૈલેન રાવલ

જોયા કરવું

જળ-માટી, આકાશ- પવન-અગ્નિને ભળતાં અર્ધું-પર્ધું જોયા કરવું !
પંચમહાભૂત હરતાં-ફરતાં રૂપ બદલતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !
કાચી-પાકી ડાળ વિચારે, અગન તિખારે પ્રગટી જઈને પૂરણ થાવું,
પૂરણ ધ્યાને અર્ધું બળતાં – અર્ધું ઠરતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !
હોય અખંડે ખંડિત સૂરજ ઝાકળના કણ કણ માંહે ક્ષણ ક્ષણ વેરાતો,
જેમ તૂટેલા દર્પણમાં બીંબો તરફડતા, અર્ધું-પર્ધું જોયા કરવું !
જીર્ણ – જળેલું, ફસકીને ફાટેલું વસ્તર, ક્યાં લગ ટાંકા ટેભા કરવા ?
આ સાંધ્યું, આ ચરડ ચરડ ચિરાડા પડતા, અર્ધું-પર્ધું જોયા કરવું !
ભીનેરા દિવસોના કીડા પાન કતરતાં, તીણાં નહોરો ખચ ખચ ખૂંપે,
લીલી ડાળો, થડ – વૃક્ષોના મૂળ થથરતાં, અર્ધું-પર્ધું જોયા કરવું !
-  દક્ષા બી. સંઘવી

તું કહે તો

આ સમયને હું ન થંભાવી શકું,
તું કહે તો સહેજ લંબાવી શકું.
રોજ તો આવે નહીં એ જાણું છું,
શક્ય છે, ક્યારેક બોલાવી શકું.
એટલો અધિકાર દે, મારા સનમ !
ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું.
ઝાંઝવા ક્યાં છું, સરોવર છું હું તો,
કોઈને હું કેમ તરસાવી શકું ?
આટલી છે વાત મારા હાથમાં,
સ્વપ્નમાં તુજને હું શોભાવી શકું.
વાત પૂરી જે ન સમજાણી મને,
એ જગતને કેમ સમજાવી શકું ?
‘રાજ’ મારી જેમ તરસ્યા થાય તો,
ઝાંઝવાને હું ય લલચાવી શકું.
-   ‘રાજ’ લખતરવી