Friday, 27 July 2012

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું


સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું !
શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું !
પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું !
કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું !
જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !
-શ્યામ સાધુ

કોણ ચાહે છે તને ?


શું કરીશ જાણી ખરેખર કોણ ચાહે છે તને ?
તુંય જાણે છે નિરંતર કોણ ચાહે છે તને ?
તે છતાં કેવળ કરુણા-પ્રેમ વરસાવે સતત,
આ જગતમાં બોલ ઇશ્વર કોણ ચાહે છે તને ?
હા, ઘડી કે બે ઘડી જોવો કિનારા પર ગમે,
એ કહે હરપળ સમંદર કોણ ચાહે છે તને ?
ખૂબ માનીતો બધાનો તું શિખરથી ખીણ લગ,
પણ કદી જો ખાય ઠોકર કોણ ચાહે છે તને ?
નામ ઝળહળતું બધાના હોઠ પર રમતું છતાં,
જાય જો વીતી એ ઉંમર કોણ ચાહે છે તને ?
ને નથી જો કોઈ પણ હા ચાહતું જો ‘હર્ષ’ તો,
કૈંક જન્મોથી જીવનભર કોણ ચાહે છે તને ?
- હર્ષ બ્રહ્મભટ્ટ

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ


આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી
- મનોજ ખંડેરિયા

હું તો ખાલી શકુંતલાની આંગળી


કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
કાંઇ એવું તો મન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
- અનિલ જોશી